આ રાતની ક્યારેક તો સવાર થશે ને!
એક સાંજથી શરૂઆત થઈ અને ધીરે ધીરે અંધકાર છવાવા લાગ્યો. રોજની જેમ બસ બધી દિનચર્યા પૂર્ણ થઈ અને સૂવાનો સમય થઈ ગયો.
પણ આજે ઊંઘ નથી આવતી. મન ઘણા બધા વિચારોથી ઘેરાયેલું છે અને દરેક સવાલનો જવાબ માંગે છે. બસ મનમાં ને મનમાં ચાલતા આ સવાલ અને જવાબના ચક્રવ્યૂહમાં હું ફક્ત એક ‘શ્રોતા’ બનીને રહી ગયો.
સમય પસાર થતો ગયો, સવાલ અને જવાબ ચાલતા ગયા. પણ જેમ જેમ સવાર પડી તેમ તેમ બંને થાકતા ગયા અને વહેલી સવારે ઊંઘ આવવા માંડી.
ઉઠતાની સાથે જ વિચાર આવ્યો કે જીવનમાં ઘણી બધી મૂંઝવણો છે, પણ સમયનું ચક્ર એવું છે કે સમય આવતાની સાથે જ બધું સમાધાન તરફ વળે છે.
અને આખરે, જેમ હર એક રાતની સવાર થાય છે, તેમજ જીવનની બધી મૂંઝવણોની પણ ક્યારેક તો સવાર થશે જ ને!